• મહિલા જાગૃતિ મંડળ

સમાજ સુધારનાં અને વિકાસના કાર્યને વેગવંતુ બનાવવા માટે આ સંસ્થાનું “મહિલા જાગૃતિ મંડળ” મહિલાવિકાસની નીચે મુજબની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છેઃ

  • મહિલા ઉદ્યોગ મંદિર​

આ વિભાગમાં બહેનોને રોજગારી આપે તેવી ૧૫ જેટલી વ્યાવસાયિક પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે, જેમાં કમ્પ્યૂટર​ ટ્રેઈનિંગ, સીવણ ડિપ્લોમા, એમ્બ્રોઇડરી અને ફેન્સી વર્ક, બ્યુટી પાર્લર, કૂકિંગ, ડોગ વર્ક, ગ્લાસ પેઈન્ટિંગ, મહેંદી, મોતીકામ, ખાટલા વર્ક, નૃત્ય, ઈગલીશ સ્પીકિંગ વગેરે વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોનું પદ્ધતિસરનું શિક્ષણ​ આપવામાં આવે છે.

  • મહિલા સ્વાવલંબન કેન્દ્ર​

સંસ્થા સમાજની બહેનો આર્થિક રીતે પગભર બને એ માટે મહિલા સ્વાવલંબન કેન્દ્ર ચલાવે છે. આ કેન્દ્રમાં બહેનો દ્વારા જુદાં - જુદાં ફરસાણ, ખાખરા, ચોખ્ખા ઘીની મીઠાઈઓ તેમજ સીઝન મુજબ અથાણાં વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે.

  • લગ્ન સહાયક કેન્દ્ર​

વર્તમાન સમયમાં નોકરી-ધંધા માટે દૂર દૂર વસતા પાટીદાર સમાજના પરિવારનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને મદદરૂપ થવા લગ્નસહાયક કેન્દ્ર કાર્યરત છે, જેમાં તેમના બાયોડેટાની ટુંકી વિગત “ધરતી” માસિકમાં પ્રકાશિત કરવામાં આવે છે. 

  • સાદાં લગ્નની યોજનાઓ

સંસ્થા સમાજના આર્થિક રીતે નબળા નાગરિકોને માટે સાદાલગ્નની યોજના દ્વારા સામાન્ય ખર્ચથી લગ્ન કરી આપે છે, જેમાં લગ્નહોલ, લગ્ન વિધિ તેમજ સાધનસામગ્રીની સુવિધા આપવામાં આવે છે.

  • કમ્પ્યૂટર તાલીમ કેન્દ્ર​

ધરતી વિકાસ મંડળ આજના સમયની જરૂરિયાતને લક્ષમાં લઈ કમ્પ્યૂટર તાલીમકેન્દ્ર ચલાવે છે, જેમાં વિન્ડોઝ ઓ.એસ. , એમ.એસ. ઓફિસ, ટેલિ અને અન્ય એકાઉન્ટીંગ સોફટવેર, ડીટીપી અને ઈન્ટરનેટ વગેરેની સઘન તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રનું સંચાલન કમ્પ્યૂટરનાં નિષ્ણાત બહેનો દ્વારા કરવામાં આવે છે.

  • હોલ, તેમજ અતિથિરૂમોની સગવડ

સંસ્થાના ન​વા મકાનમાં હોલ, તેમજ અતિથિરૂમોની સગવડ લગ્ન પ્રસંગે તથા બીજા પ્રસંગોએ સંસ્થાના નવા મકાનમાં ત્રણ મધ્યમ હોલ, ત્રણ નાના હોલ, તેમજ રહેવા માટે અદ્ય​તન સુવિધાઓ સાથેની ૧૦ રૂમો પ્રાપ્ય છે.

  • વડીલ વૃંદાવન​

સંસ્થામાં નિવૃત્તા વડીલોનું “વડીલ વૃંદાવન​” ચાલે છે, જ્યાં વડીલોને બધી જરૂરી સગવડો અપાય છે. વડીલો વિવિધ પ્રકારના વિષયો પર ચર્ચાઓ કરે છે તેમજ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ નિવૃત્તિની પળોનો આનંદ​ માણે છે. વાર્ષિક સંમેલન પણ યોજે છે. આ વડીલો સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સહકાર આપ​વા તત્પર રહે છે.

  • 'ધરતી' માસિકનું નિયમિત પ્રકાશન​

સંસ્થાનું મુખપત્ર “ધરતી” માસિક છેલ્લાં ૬૩ વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ માસિકે તેના આરંભકાળથી સમાજમાં વ્યાપ્ત કુરૂઢિઓની નાબૂદી, સામાજિક સુધારા અને સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે. તેમાં સામાજિક જાગૃતિ અને વિકાસ માટેના પ્રેરણાદાયી લેખ પ્રગટ થતા રહ્યાં છે, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સામાજિક ક્રાંતિના ઉદ્દેશને વરેલા આ માસિકને આરંભથી ઉત્તમ પ્રકારના તંત્રીઓ અને ઉચ્ચ કોટિની સામાજિક સાહિત્યિક પ્રતિભા ધરાવતા અનેક લેખકોનો સહયોગ મળતો રહ્યો છે, જેના પરિણામે આ માસિક પાટીદાર સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં સમાજના પ્રહરી અને રાહબર​ તરીકેની ભૂમિકા ભજવતું રહ્યું છે. પાટીદાર સમાજનું કોઈ માસિક આટલાં બધાં વષોથી પ્રકાશિત થતું રહ્યું હોઇ એવું જાણતાં નથી.

  • ટિફિન સેવા યોજના

એકલા રહેતા વયસ્ક વડીલો, સિનિયર સિટીઝન ભાઈ-બહેનો અને કોલેજના વિધાર્થીઓને ભોજન માટે મદદરૂપ થવા ૨૦૧૬થી રૂબરૂ તથા ટિફિન સેવા શરૂ કરી છે. શુદ્ધ, સાત્ત્વિક ભોજન અને પ્રમાણસરનો ચાર્જ હોવાથી બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

  • કૌટુંબિક​​ અને કાનૂની સમસ્યા સલાહ  કેન્દ્ર

કૌટુંબિક​​ અને કાનૂની સમસ્યા સહાય કેન્દ્ર સમાજમાં બનતી અનેક નાની-મોટી સમસ્યાઓ, દીકરા-દીકરીના પ્રશ્નો, પતિ-પત્નીની સમસ્યાઓ અને મિલકત સંપત્તિના પ્રશ્નોના નિરાકરણ માટે તથા કોર્ટ-કચેરીથી બચવા સમાધાનકારી પ્રયત્નો માટેનું "સલાહ માર્ગદર્શન સમાધાન કેન્દ્ર".